Job 42

1ત્યારે અયૂબે યહોવાહને જવાબ આપતાં કહ્યું કે,

2“હું જાણું છું કે તમે બધું જ કરી શકો છો,
અને તમારી યોજનાઓને કોઈ અટકાવી શકે તેમ નથી.
3“અજ્ઞાનીપણાથી ઈશ્વરની યોજનાઓને અંધકારમાં નાખનાર આ કોણ છે?’ તે તમે સાચું જ કહ્યું હતું,
તે માટે હું એવી ઘણી બાબતો બોલ્યો છું કે જે હું સમજી શકતો નથી,
મારા માટે અતિ કઠીન છે જે હું સમજી શકતો નથી અને જેના વિષે જાણતો નથી.

4તમે મને કહ્યું હતું, ‘સાંભળ, હવે હું તને પૂછીશ;

હું તને કંઈક પૂછીશ અને તારે મને જવાબ આપવાનો છે.’
5મેં તમારા વિષે અગાઉ સાંભળ્યું હતું,
પરંતુ હવે મેં તમને નજરે નિહાળ્યા છે.
6તેથી હું મારી જાતને ધિક્કારું છું;
અને હું ધૂળ તથા રાખ પર બેસીને પશ્ચાતાપ કરું છું.”

7અયૂબ સાથે વાત કરી રહ્યા પછી યહોવાહે અલિફાઝ તેમાનીને કહ્યું, “હું તારા પર અને તારા બન્ને મિત્રો પર ગુસ્સે થયો છું, કારણ કે તમે, અયૂબ મારા સેવકની જેમ, મારા વિષે સાચું બોલ્યા નથી. 8એટલે હવે, અલિફાઝ તું તારા માટે સાત બળદો અને સાત ઘેટા લે. મારા સેવક અયૂબની પાસે જા અને પોતાને માટે દહનાર્પણ તરીકે ચઢાવ. મારો સેવક અયૂબ તારે માટે પ્રાર્થના કરશે અને હું તેની પ્રાર્થના સાંભળીશ, તેથી હું તારી મૂર્ખાઈ પ્રમાણે તારી સાથે વર્તીશ નહિ. જેમ મારો સેવક અયૂબ મારા વિષે સાચું બોલ્યો હતો તેમ તું મારા વિષે સાચું બોલ્યો નહિ.” 9તેથી અલિફાઝ તેમાની, બિલ્દાદ શૂહી અને સોફાર નામાથીએ યહોવાહે જે આજ્ઞા આપી હતી તે પ્રમાણે કર્યુ; અને યહોવાહે અયૂબની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો.

10જ્યારે અયૂબે તેના ત્રણ મિત્રો માટે પ્રાર્થના કરી, એટલે યહોવાહે તેની પરિસ્થિતિને પુનઃસ્થાપિત કરી. અને અગાઉ તેની પાસે હતું તે કરતા બે ગણું વધારે યહોવાહે તેને આપ્યું. 11અયૂબના સર્વ ભાઈઓ, સર્વ બહેનો અને અગાઉ તેના જે ઓળખીતાઓ હતા તેઓ સર્વ તેની પાસે તેના ઘરમાં આવ્યા અને તેની સાથે ભોજન કર્યું. અને યહોવાહ તેની પર જે વિપત્તિ લાવ્યા હતા તે સંબંધી તેઓએ અયૂબને સાંત્વન આપ્યું. દરેક માણસે તેને ચાંદીનો એક સિક્કો અને એક સોનાની વીંટી આપી.

12યહોવાહે અયૂબને અગાઉ કરતાં વધારે આશીર્વાદ આપ્યો; હવે અયૂબની પાસે ચૌદ હજાર ઘેટાં, છ હજાર ઊંટ, બે હજાર બળદ અને એક હજાર ગધેડીઓ હતી. 13તેને સાત દીકરાઓ અને ત્રણ દીકરીઓ હતી. 14અયૂબની સૌથી મોટી દીકરીનું નામ યમીમા, બીજીનું નામ કસીયા અને સૌથી ત્રીજી દીકરીનું નામ કેરન-હાપ્પૂખ હતું.

15સમગ્ર દેશમાં અયૂબની દીકરીઓ જેવી અન્ય કોઈ ખૂબસૂરત સ્ત્રીઓ ન હતી. અયૂબે તેઓના ભાઈઓની સાથે તેઓને વારસો આપ્યો. 16ત્યાર પછી અયૂબ, એક્સો ચાલીસ વર્ષ જીવ્યો; અને તેણે પોતાના દીકરાઓના દીકરાઓ, પ્રપૌત્ર-પ્રપૌત્રીઓ અને એમ ચાર પેઢીઓ જોઈ. 17આ પ્રમાણે સારું જીવન જીવીને અયૂબ સંપૂર્ણ વૃદ્ધ ઉંમરે મરણ પામ્યો.

Copyright information for GujULB